"અયોધ્યામાં રામચંદ્રજીની મૂર્તિ ઘનશ્યામનો હાથ ઝાલી પારણામાં બેસાડે છે."
એક સમયમાં અયોધ્યાપુરીને વિષે જન્મ સ્થાનકમાં દર્શન કરવા ધર્મદેવ તથા ભક્તિમાતા પોતાના પુત્રોને લઇને ગયાં. તે વખતે પારણામાં રામલક્ષ્મણની બે નાની મૂર્તિઓ પધરાવી પૂજારી ઝૂલાવતો હતો તે વખતે દર્શન કરવા સારું ગયાં. એટલે પારણામાં બેઠાથકા ઠાકોરજી પોતાના બે હાથે ઘનશ્યામ મહારાજને હાથે ઝાલીને કહેવા લાગ્યા જે, હે કૃપાનાથ ! તમો આ પારણામાં પધારો. ત્યારે પોતે બીજું રૂપ ધારણ કરીને તે પારણામાં જઇને બેઠા. અને એકરૂપે ભક્તિમાતાની પાસે ઉભેલા છે, તેવું ઐશ્વર્ય જોઇને પૂજારી તો મહા વિસ્મય પામ્યો. તે સમયે કેટલાક બીજા માણસો દર્શન કરવા આવેલા તે સર્વેને દેખતાં તે પૂજારી પ્રત્યે ઠાકોરજીની પ્રતિમા બોલી કે, હે પૂજારી ! આ ઘનશ્યામ મહારજ તો અક્ષરાધિપતિ પૂર્ણપુરુષોત્તમ ભગવાન છે, અને આ એમનાં માતાપિતા તે તો ધર્મ ને ભક્તિ છે. તેમના દ્વારે કરુણા કરીને આ લોકમાં સર્વે જીવોનું કલ્યાણ કરવા પધાર્યા છે. માટે તમો દર્શન પૂજન આદિ જે જે સેવા કરવી હોય તે કરો. એવું મહા અલૌકિક પોતાના ઇષ્ટદેવનું વચન સાંભળીને આનંદ પામી, ચંદન પુષ્પ વડે ઘનશ્યામ મહારાજની પૂજા કરીને ભારે ભારે વસ્ત્ર ઘરેણાં પહેરાવ્યાં. ત્યારબાદ પોતાના હાથમાં કરતાલ આદિ વાજીંત્ર લઇને ઉભો થઇ નૃત્ય સાથે વગાડવા લાગ્યો. તેને પ્રેમનો ભર્યો જોઇને પ્રસન્ન થયેલા ઘનશ્યામ મહારાજે પારણામાંથી તત્કાળ નીચે ઉતરીને પોતાની પ્રસાદીનો હાર આપ્યો. એવી રીતે પૂજા કરી રાજી કરીને ત્યાં ઉભા રહ્યા. તેટલામાં તો સર્વે માણસોને દેખતાં સતાં અંજનીસુત બ્રાહ્મણના વેશે આવીને ઘનશ્યામ મહારાજને પગે લાગીને એક મોટો પુષ્પનો હાર પહેરાવીને મંદિરની પરિક્રમા ફરવા લાગ્યા. તે વાર પછી પોતાના પિતા ધર્મદેવને કહ્યું જે, હવે તો ઘેર ચાલો. તેવું સાંભળીને ધર્મદેવ તથા ભક્તિમાતા પોતાના પુત્ર સહિત ઘેર આવ્યાં.
જય સ્વામિનારાયણ


0 Comments