Ticker

6/recent/ticker-posts

MUKTANAND SWAMI | સત્સંગની માં સ.ગુ.શ્રીમુક્તાનંદ સ્વામી


“સત્સંગની માં” સ.ગુ.શ્રીમુક્તાનંદ સ્વામી

            શ્રીસ્વામિનારાયણ ભગવાનને ફરતી ઓપતી ૫૦૦-૫૦૦ પરમહંસમાળાનો મેર અને સત્સંગરૂપી ઇમારતના મોભસમા તથા ‘સત્સંગની મા’ના બિરુદને પામેલા સંત એટલે સદ્‌ગુરુ શ્રીમુક્તાનંદસ્વામી. પૂ.સ્વામીશ્રીનો જન્મ સંવત્‌ ૧૮૧૪ પોષ વદ સાતમના દિવસે અમરાપુરમાં આનંદરામ નામના પવિત્ર વિપ્ર દ્વારા રાધાદેવીની કૂખે થયો હતો. તેમનું બાળપણનું નામ મુકુંદદાસ હતું. અમરેલી તથા અમરાપુર તેમની કર્મભૂમિ હતી. બાળપણમાં જ પરિવારને ધ્રુવ-પ્રહ્લાદની ઝાંખી કરાવી. અને મેધાવી પિતા પાસે જ સંસ્કાર, સંસ્કૃત, સંગીત તેમજ તુલસી સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમને નાનપણથી પ્રભુને મેળવવાની ઇચ્છા. બ્રહ્મચર્યનું પાલન કરી પ્રભુને પ્રાપ્ત કરવાનું તાન. સંસાર પ્રત્યે ઉદાસીન. ભગવાન ભજવા માટેની તીવ્ર ઇચ્છાથી ઘર છોડી ગુરુ શોધવાની તીવ્ર આકાંક્ષા હોવા છતાં માતા-પિતાની આજ્ઞાને વશ થઈ લગ્ન કરવા પડયા. પણ તેમનો વૈરાગ્ય તો ચરમસીમાએ પહોંચેલ. અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય રાખી ઉર્ધ્વરેતા બનાવે તેવા સદ્ગુરુની શોધ આદરી. સરધારમાં તુલસીદાસ મહાત્માને મળી તેના આશ્રમમાં રહી રામાયણની કથા વાંચતા. દરમ્યાન સદ્. રામાનંદ સ્વામીની દિવ્ય વાણીનો લાભ લેતા મુકુંદદાસને અંતરમાં અનેરી શાંતિ મળી અને તેમના શિષ્ય થવાનું વિચાર્યું. પણ તુલસીદાસ રજા ન આપતા ગાંડીયા જેવું વર્તન કરી રજા ચિઠ્ઠી લઇ મુકુંદદાસ ગુરુ રામાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામીએ પણ તેમની આકરી પરીક્ષા લઈ તેમને પોતાના શિષ્ય બનાવ્યા અને સંવત્‌ ૧૮૪૨ની વસંતપંચમીએ મુકુંદદાસ ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક શ્રીરામાનંદસ્વામીના શિષ્ય તરીકે દીક્ષા પામ્યા અને “મુક્તાનંદસ્વામી” એવા નામે પ્રસિદ્ધ થયા.

            રૂપ, ગુણ અને સાધુતાની ત્રિવેણી એટલે મુક્તાનંદસ્વામી. તેથી જ તેઓ લોજ આશ્રમના અગ્રણી બન્યા. મુક્તાનંદ સ્વામીનો તીવ્ર વૈરાગ્ય, અપાર મેઘા તથા જ્ઞાનશક્તિ જોઈ રામાનંદ સ્વામીએ તેમને સંસ્કૃત ભણવા માટે ભૂજ મોકલ્યા. ગુરુદેવની આજ્ઞાથી ભુજ જઈને પુનઃ વેદાંતનું ગહન અધ્યયન કર્યું. પરિણામે જ્ઞાન-ગરીમા પ્રાપ્ત થઈ. એક કરતાં વધારે ભાષાના જાણકાર એવા મુક્તાનંદસ્વામી અજોડ કવિત્વ શક્તિ ધરાવતા હતા. અને એમના કંઠમાં કોયલનો માળો હોય તેવું માધુર્ય હતું. રાગ-રાગણીઓને મૂર્તિમંત કરીને શ્રોતાને મંત્રમુગ્ધ કરવા તેમને મન કંઈ મોટી વાત ન હતી. તેમના વાગ્માધુર્યએ તેમને હજારો લોકોનાં હૃદયમાં અનોખો આદર-સ્થાન અપાવ્યું. ટૂંક સમયમાં રામાનંદસ્વામીના શિષ્યોમાં પ્રમુખ અને ભાવિ કર્ણધાર તરીકે ઉપસી આવ્યા.

            એવામાં સંવત્‌ ૧૮૫૬ શ્રાવણ વદ છઠના દિવસે લોજ આશ્રમમાં નીલકંઠવર્ણીરૂપે શ્રીહરિ વન-વિચરણ પૂર્ણ કરી ફરતા ફરતા લોએજ પધાર્યા અને મુક્તાનંદ સ્વામીને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એટલે શું ? તેવા પ્રશ્નો પૂછયા. શ્રીહરિને આના સાચા ઉત્તર પ્રાપ્ત થતા લોએજમાં રોકાયા અને મુક્તાનંદસ્વામીની સાધુતા, વર્તનશુદ્ધિ તથા વિદ્વત્તા સાથેની જ્ઞાનશુદ્ધિથી પ્રભાવિત થઈ શ્રીહરિ તે આશ્રમમાં સદાને માટે રોકાયા. સમય જતા રામાનંદસ્વામીને મળ્યા, દીક્ષા લીધી અને જેતપુરમાં ગાદીએ બિરાજ્યા. એ વાતનો સહુથી વધારે આનંદ રામાનંદસ્વામીના સીધા જ ઉત્તરાધિકારી હતા એવા મુક્તાનંદસ્વામીને હતો. આ એમની ત્યાગવૃત્તિનો સહુથી મોટો પુરાવો છે.

            અહો..! કેવા નિર્માની ! કેવું દૈન્ય !  પ્રગટ પુરુષોત્તમ એમના દિલમાં ! જેથી એમના કાવ્યમાં પણ એ ભાવ સરી આવતો હતો. “હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે…” આવું આવું લખી-કહીને તેમણે દાસત્વભક્તિનો આદર્શ બેસાડ્યો છે; એટલું જ નહિ પરંતુ સંપ્રદાયને લક્ષમાં રાખીને વિવિધ ભાષાઓમાં વિપુલ સાહિત્યનો રસથાળ આપ્યો છે, એક જ વ્યક્તિના જીવનમાં બ્રહ્મસૂત્રભાષ્ય રચના અને વડોદરાના પંડિતોને એકલે હાથે શાસ્ત્રાર્થમાં પરાજિત કરી શકે તેવું પાંડિત્ય, રાસલીલા જેવી રસપ્રધાન રચના, સાથે ગ્વાલિયરના ગાયકોને સ્તબ્ધ કરી દે તેવું શાસ્ત્રીય નૃત્ય, આજ સુધીના ઇતિહાસમાં કોઈના નામે નોંધાયુ હોય તો એ એકમાત્ર મુક્તાનંદ સ્વામી છે.

            મુક્તાનંદ સ્વામીમાં માયાનો જરા પણ અંશ ન હતો તેથી શ્રીહરિ તેમને ક્યારેય સમાધિ ન કરાવતા. જો સમાધિ કરાવે તો સ્વામી સમાધિમાંથી ક્યારેય બહાર ન નીકળે અને ધામમાં જ નિવાસ કરીને રહે. મુક્તાનંદ સ્વામી નખશીખ પ્રેમ અને નમ્રતાની મૂર્તિ હતા. જેમ મા બાળકનું સર્વ પ્રકારે ધ્યાન આપે તેમ તમે સત્સંગનું અને સંતોનું ધ્યાન સ્વામી રાખતા. સ્વામી સંસ્કૃત, ગુજરાતી, હિંદી, વ્રજ ભાષા વગેરે ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવતા હતા. તેઓએ અનેક કીર્તનો રચ્યા છે. તેમની કલમે ૩૪ જેટલા ગ્રંથો લખાયા છે. તેમનાં ભગવાં વસ્ત્રોએ ભારતવર્ષના કાષાયાંબરધારીને ગૌરવ અપાવ્યું છે. શ્રીહરિએ તેમની વિનમ્રતા સાથેની વિદ્વત્તા અને જ્ઞાન સાથેની ગુણગરિમાને કારણે ‘ગુરુપદ’ આપ્યું હતું. પ્રગટ પુરુષોત્તમે જીવનભર એમને ગુરુ માનીને મર્યાદા રાખી-રખાવી હતી. વાત્સલ્ય અને કરુણાને કારણે સ્વયં ભગવાન શ્રીસ્વામિનારાયણે તેમને “સત્સંગની મા” નું બિરુદ આપ્યું હતું. સ્વામીના સદ્‌ગુણને બિરદાવતા શ્રીહરિ શ્રીહ.ચ.સા.૮/૧૪માં કહે છે કે, “તેમને માહાત્મ્યનો ગુણ દિનપ્રતિદિન વધતો જ રહે છે. તેમનું મહિમાનું અંગ છે, જેથી આપણા સત્સંગમાં જે સંતો-ભક્તો છે તે સહુને તેઓ પરમ મિત્ર માને છે. કોઈનામાં ન્યૂનાધિક ભાવ રાખતા નથી. આવો સહજ બાળક જેવો તેમનો સ્વભાવછે.

            પોતાના ઉપર કોઈ ખાર રાખે તેનું પણ હિત ઇચ્છે છે. સહુ ઉપર પ્રેમ રાખે છે અને અમે જે નિયમ આપીએ છીએ તેને અમારું સ્વરૂપ માનીને પાળતા રહે છે. આવા ગુણો હોવા છતાં તે અંગે મનમાં કાંઈ માન-મોટપ રાખતા નથી. તેથી અમને સ્વામીમાં ખૂબ હેત રહે છે.” શિક્ષાપત્રીમાં પણ શ્રીહરિએ પોતાના પ્રિય સંતોની યાદીમાં સદ્. મુક્તાનંદ સ્વામીનું નામ પ્રથમ લખેલ છે. પોતે રામાનંદ સ્વામીના પટ્ટશિષ્ય હોવા છતાં શ્રીહરિ પાસે દાસભાવે રહ્યા. શ્રીહરિની આ આજ્ઞા સ્વામીએ જિંદગીના અંત સુધી યથાર્થ પાળી હતી. તેમને ક્ષય રોગ જેવી અસાધ્ય બીમારી અને અતિ વૃદ્ધાવસ્થાને લીધે અશક્ત હોવા છતાં તેમણે ગ્રંથો રચવાની સેવા સતત ચાલુ જ રાખી. તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ગદ્ય અને પદ્ય સાહિત્યની રચના કરી છે. જે કાંઈ સાહિત્ય રચ્યું છે તે ઉત્તમ પ્રકારનું જ્ઞાનસભર અને અધ્યાત્મ પોષક છે. શ્રીજી મહારાજને કોઈ પ્રકારે રાજી કરવા તથા શ્રીહરિમાં અતૂટ વિશ્વાસનું અંગ હતું. જીવનપર્યંત શ્રીહરિની આજ્ઞા શિરોધાર પાળી સત્સંગની અપાર સેવા કરી. આવા અનેક સદ્‌ગુણોનું ધામ એવા મુક્તાનંદ સ્વામી શ્રીહરિ સ્વધામ ગયા બાદ માત્ર દોઢ માસમાં જ અક્ષરવાસી થયા. શ્રીજી મહારાજની ઇચ્છાથી *સં. ૧૮૮૬ના અષાઢ વદ એકાદશીના પવિત્ર દિવસે ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરને વિષે પદ્માસનમાં બેસી શ્રીહરિમાં પોતાનું સમગ્ર અસ્તિત્વ જોડી એકાગ્ર થઈ સમાધિમાં બેઠા અને અક્ષરધામમાં સીધાવ્યા.*

            પરંતુ તેમના સદ્‌ગુણોને લીધે સત્સંગમાં અને સહુનાં હૈયામાં સદા અમર રહ્યા છે. મોટા સંતોએ મળીને અનેકના આદર્શ એવા સાધુતાની મૂર્તિ મુક્તાનંદ સ્વામીને તેમના સદ્‌ગુણોને શ્રેષ્ઠ ભાવાંજલિ અર્પી છે. આજે પૂ. સ્વામીની પુણ્યતીથિ પર તેમના ચરણૉમાં પ્રાર્થના કરીયે કે તેમના જેવા સાધુતાઈના ગુણો આપણે પણ કેળવીએ અને મહારાજને ધર્મકુળને તથા સંતો-ભક્તોને રાજી કરી શકીયે.

Post a Comment

0 Comments

Pages