Ticker

6/recent/ticker-posts

Ghanshyam Charitra | નેત્રમાં આંજણ આંજતી વખતે સુવાસિનીબાઇને આંખમાં બ્રહ્માંડ દેખાડતા ઘનશ્યામજી


નેત્રમાં આંજણ આંજતી વખતે સુવાસિનીબાઇને આંખમાં બ્રહ્માંડ દેખાડતા ઘનશ્યામજી


            એક સમયે ઘનશ્યામ મહારાજની જમણી આંખ થોડીક રાતી થયેલી જોઇને સુવાસિનીબાઇ બોલ્યાં જે, હે ઘનશ્યામભાઈ ! તમારી આંખ કેમ લાલ થઇ છે? દુઃખવા આવી છે કે શું? ત્યારે બોલ્યા જે, હા થોડો આંખમાં ખટકો આવે છે. તેવું સાંભળીને સુવાસિનીબાઇ બોલ્યાં જે, મારી પાસે અંજન છે. આવો તમોને આંજું. 


*શ્રીહરિ કહે છે એમ જણાય, થોડો થોડોક ખટકો થાય |*

*સુવાસિની કહે છે ભગવાન, મારી પાસે છે એક અંજન ||*

*લાવો આંજુ તો શીતળ થાશે, વળી તત્કાળ મટી જાશે |*

*પછી ઓશરી મધ્યે ઉમંગ, એક ઢાળ્યો છે સારો પલંગ ||*

*પ્રભુ પોઢ્યા પલંગમાં સાંજે, ભાભી આંખમાં અંજન આંજે |*


            એમ કહીને ઓસરીમાં ઢોલીયો ઢાળીને તેમાં સુવાડીને તે આંખમાં અંજન આંજવા લાગ્યા, ત્યારે બોલ્યા જે, હે ભાભી ! આ અંજન તો મારી આંખમાં બહુ ઠંડુ લાગે છે. માટે આ બીજી આંખમાં પણ આંજો. એમ કહીને બીજી આંખ ઉઘાડી એટલે તે આંખમાં અનેક બ્રહ્માંડ દેખાતાં હતાં. તેમાં નદીઓ, પર્વત, સમુદ્ર, આકાશ, તારામંડળ ને નવ ગ્રહ આદિક સર્વે સ્થાન જોતાં હતાં અને સ્થિર થઇગયાં. ત્યારે બોલ્યા જે, કેમ આંજતાં નથી? ને બેસી રહ્યા છો? ત્યારે કહ્યું જે, હે ઘનશ્યામભાઇ ! તમારી આંખમાં તો ચૌદલોક સહિત હજારો બ્રહ્માંડ હું દેખું છું. ત્યારે બોલ્યા જે, હવે આંજો. ત્યારે પોતાની આજ્ઞાથી આંજવા લાગ્યાં, ત્યારે તે દેખાતું સર્વે બંધ થઇ ગયું. આવી રીતનું મહા અલૌકિક ઐશ્વર્ય જોઇને સુવાસિનીબાઇ તો સ્તુતિ કરવા લાગ્યાં જે, હે મહારાજ ! હે જગતપતિ ! હે અધમ ઉદ્ધારક ! તમે મને આંખે અંજન આંજવાનું કહ્યું તે મારી ઉપર તમોએ બહુ અનુગ્રહ કર્યો એમ હું માનું છું. હે પ્રાણઆધાર ! તમો તો સર્વ અવતારના અવતારી છો. અને સર્વેના પ્રેરક છો. અને સર્વ પ્રાણી માત્રના કર્મના ફળને આપનારા છો. એવા થકા ઘનશ્યામરૂપે આ પુરને વિષે ધર્મભક્તિને ઘેર પ્રગટ થયા છો. 


*મહા સમર્થ છો સુખધામ, એવા થકા થયા ઘનશ્યામ |*

*ધર્મઘેર પ્રગટ થયા છો, છપૈયાપુર વિષે રહ્યા છો ||*

*તે તો કરવા અમારું શ્રેય, મને તો નિશ્ચે થયો છે તેય |*

*મૂર્તિ તમારી ઉરમાં ધારી, લાખો ફેરા જાઉ વારી વારી ||*

*માયા પર તમારો મુકામ, બ્રહ્મમહોલના વાસી છો શ્યામ |*


            એવી રીતે પોતાનાં ભોજાઇ ઘણીક પ્રકારની સ્તુતિ કરતાં હતાં.

Post a Comment

0 Comments

Pages