*અષ્ટસિદ્ધિઓ ઘનશ્યામજી માટે થાળ લાવ્યાં🌷*
છપૈયામાં એક દિવસ ઘનશ્યામ મહારાજ બાળમિત્રો સાથે મીનસરોવરને કાંઠે રમવા ગયા. રમતાં રમતાં ઘણીવાર થઇ ગઇ ત્યારે મિત્રો બોલ્યાં, “ઘનશ્યામભાઇ, ભૂખ બહુ લગી છે. ભોજના મળે તો બહુ મઝા આવે.” ઘનશ્યામ મહારાજ પાસે રૂમાલ હતો તેના ચાર છેડા મહુડાના વૃક્ષના ડાળે બાંધ્યા. પછી બોલ્યાં કે, “આ રૂમાલમાં થોડીવાર પછી ભોજન આવી જશે. ત્યાં સુધી સ્નાન કરી આવીએ પછી સખા સાથે ખૂબ જળક્રીડા કરી.” પછી મહુડાના વૃક્ષ ઉપર ચડીને જોયું તો રૂમાલમાં મીઠાઇ ભરી છે. આ મીઠાઇ કોણ રાખી ગયું હશે? સખા નવાઇ પામ્યાં. હશે, જે હશે તે..આપણને જમવાથી કામ..ફટાફટ મિત્રો પૃથ્વીપર ચંદ્રાકાર થઇને જમવા માટે બેસી ગયા. ત્યારે ઘનશ્યામ મહારાજે મનોમન અષ્ટસિદ્ધિઓને બોલાવ્યાં. પધારો, અષ્ટસિદ્ધિઓ, અમને ખૂબ ભૂખ લાગી છે.
*ત્યારે સિદ્ધિઓ થઇ પ્રકાશ, પીરસે સર્વેને ભોજન તાસ |*
*સોના રૂપાની સુંદર ઝારી, તે વડે પાય નિર્મળ વારી ||*
અષ્ટસિદ્ધિઓ હાથમાં થાળ લઇને આકાશમાંથી ઉતરી આવ્યા. રૂપરૂપના અંબાર, ઝગમગતી સોનાના તાર વાળી સાડી, હાથમાં સોનાના થાળ, તેમાં બત્રીસ પકવાન, બીજા હાથમાં સોનાની ઝારી, તેમાં પીવા માટે ઠંડુ પાણી લાવ્યાં છે. બાળમિત્રોની સાથે પ્રભુ ભોજન જમે છે.
તે વખતે જગતસૃષ્ટા બ્રહ્માજી પ્રસાદ જમવાની ઈચ્છાથી જ્યાં પ્રભુ જમે છે ત્યાં આવ્યા. માછલાનું રૂપ લઇને જળમાં પ્રવેશ કર્યો. પ્રભુ જમ્યા પછી મીનસાગરમાં જળમાં હાથ ધોવા આવશે. ત્યારે પ્રસાદી મળશે. અંતર્યામી પ્રભુ બોલ્યા, “વ્હાલા મિત્રો, આજે કોઇ સરોવરમાં હાથ ધોવા જશો નહિ. પાણીમાં મોટો મગર છે, હાથ ધોવા જાશો તો મગર પકડશે. “મિત્રો, ડરી ગયા.” રેતીમાં હાથ ઘસી લ્યો.” કોઈ હાથ ધોવા ગયા નહિ..હવે શું કરવું?
પછી બ્રહ્માજીએ સાધુના વેશે આવીને ભિક્ષા માંગી. “ભિક્ષાન દેહી !” બાળ ઘનશ્યામે કહ્યું, “સાધુરામ, શરમાતા નથી? બુદ્ધિ છે કે નથી? નાના બાળકો પાસે ભીખ કદી માંગતી હશે? ગામમાં જાવ..ત્યાં ભિક્ષા મળશે.” બ્રહ્માજી ભોઠાં પડી ગયા..કઇ રીતે પ્રસાદ મળશે? પોતાનું મૂળરૂપ છુપાવીને બ્રહ્માજી આવ્યા છે તે ભગવાનને ગમ્યું નહી, સીધી રીતે આવ્યા હોત તો પ્રસાદ મળત, પણ યુક્તિ કરવા ગયા તેથી નિષ્ફળતા મળી. બ્રહ્માજી વિચાર કરે છે, હવે કરવું શું? ભગવાન પાસે કપટ નહિ ચાલે. “જેવા છો તેવા થઇને આવો.” તેથી મૂળરૂપ પ્રગટ કર્યું. ચારમુખ છે ને હંસ પર બેઠા છે.પ્રભુને પગે લાગીને કહ્યું, “હે મહારાજ ! મને માફ કરો.”
*કર જોડી કરે છે સ્તવન, હવે ક્ષમા કરો ભગવાન |*
*પ્રભુજી તમે અંતરજામી, બલવંતજી છો બહુનામી ||*
*નથી અજાણ્યું કાંઇ તમારું, તમઆગે શું જોર અમારું |*
*દયા કરીને પ્રસાદી આપો, કરુણાથી કર શીર થાપો ||*
“હે પ્રભુ ! તમારી પ્રસાદી જમવા માટે હું સત્યલોકમાંથી આવ્યો છું. મારી ભૂલને ક્ષમા કરો ને દયા કરીને પ્રસાદી આપો.” ત્યારે ઘનશ્યામ મહારાજે પોતાના હાથનું ધોયેલું જલ બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીની ઈચ્છા પુરી થઇ..રાજી રાજી થઇ ગયા. મને પ્રગટ પુરુષોત્તમનારાયણનો પ્રસાદ મળ્યો..ધન્ય ઘડી, ધન્ય અવસર..હું કૃતાર્થ થઇ ગયો. પ્રભુને પગે લાગી બ્રહ્માજી અદૃશ્ય થઇ ગયા સાથે અષ્ટસિદ્ધિઓ પણ પ્રભુને પ્રણામ કરતાં થકાં પોતાને સ્વસ્થાને પધાર્યા છે.


0 Comments