પાકેલા ફણસ અમને આપજો
એક સમયને વિષે રામપ્રતાપભાઇના સસરા બળદેવપ્રસાદજી પોતાનું ગામ જે વેણીપુર ત્યાં ફણસ લેવા ગાડું જોડાવીને તૈયાર થયા. ત્યારે પોતાના પુત્ર લક્ષ્મીપ્રસાદજી તથા જનકરામ એ બન્ને ભાઇ ગાડામાં બેઠા. તેમને જોઇને ઘનશ્યામ મહારાજ પણ પોતાનાં માતા પ્રત્યે બોલ્યા જે, હે દીદી ! હું પણ આ લોકોની સાથે ફણસની સાખો ખાવા જાઉં છું. એમ કહીને તેમના ભેગા ગાડામાં બેઠા. પછી ત્યાં થકી શકટ ચલાવ્યું તે ગામ ભમેચા અને વેણીપુરના વચ્ચે તલાવડીની પાળ ઉપર ફણસનાં વૃક્ષ હતાં ત્યાં આવીને ગાડું છોડ્યું અને જનકરામ બળદને ખટવા આંબાના વૃક્ષ નીચે બાંધવા ગયા. અને બીજા કેટલાક ફણસનાં વૃક્ષ ઉપર ચઢીને ફણસ લેવા ગયા. ત્યારે ઘનશ્યામ મહારાજ નીચે ઉભા રહીને બોલ્યા જે, હે ભાઇઓ ! પાકેલું ફણસ હોય તો અમોને આપો ત્યારે કહ્યું જે, ભાઇ ઘનશ્યામ ! આ વૃક્ષ ઉપર એકેય નથી. અને બીજાં વૃક્ષ ઉપર હશે તો જરૂર તમને આપીશું.
*ત્યારે બોલ્યા છે શ્રીઘનશ્યામ, કેમનથી બોલો છો શું આમ |*
*જુઓ જુઓ આ પાકી ગયા છે, અમને આપ્યા જેવા થયા છે ||*
*એમકહેતાં ફણસ સઘળાં, નીચે ખરી પડ્યાં તે સબળા |*
*એવું જોઇને તે સર્વે જન, હેઠે ઉતરીયા એક મન ||*
*આવ્યા ઉભાં છે જ્યાં ઘનશ્યામ, પ્રેમપૂર્વક કર્યા પ્રણામ |*
ત્યારે બોલ્યા જે, કેમ નથી ! જુઓ, એ તો સર્વે ફણસ પાકી ગયાં છે. એમ કહ્યું કે તુરત બધાં ફણસ એક સામટા હેઠે ખરી પડ્યા. ત્યારે સર્વે મહાઆશ્ચર્ય પામી વૃક્ષ ઉપરથી નીચે ઉતરીને ઘનશ્યામ મહારાજને પગે લાગતા હતા. ત્યારે હસતા બોલ્યાં જે , હે રૂપધર ! તમે કહેતા હતા કે એકેય ફણસ પાક્યું નથી ત્યારે આ ક્યાંથી પડ્યા? તેવું સાંભળીને રૂપધરના નાનાભાઇ ભેલૈરામ બોલ્યા જે, હે ઘનશ્યામ ! આ તો તમારું કામ છે. નહીં તો આ ફણસને ઘેર લઇ જઇ પંદર દિવસ ઓરડામાં રાખીએ ત્યારે પાકતાં હતાં અને આતો તુરત જમાય તેવાં પાક્યાં છે, તેથી હાલ જમવાના કામમાં આવ્યાં. એમ કહીને પગે લાગતા સર્વે એક ફણસને લઇ જમવા લાગ્યા. ત્યારે ઘનશ્યામ મહારાજ પણ તેમાંથી સારાં મોટાં બે ફણસ જનકરામ તથા લક્ષ્મીપ્રસાદ પાસે ઉપડાવીને ખટવા આંબા નીચે ગયા. અને ત્રણે જણ જમતા હતા, તેને કેટલોક સમય થયો એટલે પાછા તે કકરા તળાવડીમાં આવીને હાથ મુખ ધોઇને જળક્રીડા કરતા સતા સ્નાન કરતા હતા. પછી બળદેવપ્રસાદજીએ બીજાં ફણસનાં વૃક્ષો ઉપરથી ફણસ ઉતરાવીને તે ગાડામાં ભરીને, તળાવમાં સ્નાન કરતા જે પોતાના પુત્ર લક્ષ્મીપ્રસાદ આદિક ત્રણ જણને બોલાવીને ઘેર આવીને તે ચરિત્રની વાર્તા ધર્મભક્તિને કહી.
JAY swaminarayan


0 Comments