Ticker

6/recent/ticker-posts

Ladu ba | લાડુ બા


આજના યુગ ની સંન્નારીઓ જેમને પતિ ને પરિવાર નુ કામ કરવામાંય નાનપ લાગે છે ને બે રુપિયા કમાવા પારકા આગળ અડધા અડધા થઇ જાય છે પણ એમના માટે સત્સંગની આ ઉદાહરણ રુપ વાત કે પરિવાર ને પરમાત્માની સેવા કરવાથી શું પ્રાપ્ત થાય


ગઢડાના ગામ ધણી એભલબાપુને પાંચ સંતાનો હતા. જીવુબા, લાડુબા, પાંચુબા, નાનુબા અને છેલ્લો ભાઈ ઉત્તમ. જેને લાડમાં સૌ દાદાખાચર કહે.


આ કુટુંબના ધન્ય ભાગ્ય પૂર્ણ પુરષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીની અપાર સેવા મળી. તેમણે એ સેવા ભક્તિ નિષ્કામભાવે અને નિષ્ઠાથી કરી. સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં આ કુટુંબ અમરતા ધારણ કરી પ્રેરણાના પુંજ પાથરી ગયું. ત્યાગ તપ તથા સેવાની બાબતમાં જેમની બરોબરી કોઈ કદી કરી શકે નહિ એવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાન સન્નારીઓ, સાંખ્યયોગી, સતીઓ થઈ ગયા. તેમાં લાડુબાનું નામ સત્સંગમાં સપ્તર્ષિના સ્થાને છે.


લાડુબા જીવુબાના નાના બહેન હતા. નાનપણથી જ તે જુદી માટીના જણાઈ આવતા હતા. ભક્તિ તેમના જીવનનો પ્રધાન સૂર હતો. કારીયાણી ગામે માંચાખાચરના ઘરે એભલ ખાચર અને તેમના પરિવારને પ્રથમવાર શ્રીજી મહારાજના દર્શન સાનિધ્યનો અવસર પ્રાપ્ત થયો. ત્યારથી જ લાડુબાએ હરિવરને વરી અખંડ સૌભાગ્યવતી થવાનો નિર્ણય કર્યો હતો. તપ, ત્યાગ અને નિષ્કામ ધર્મના આદર્શોને વરેલા રૂપ, ગુણ અને બુધ્ધિમાં આદર્શ એવા લાડુબાને એભલ બાપુએ લગ્નબંધને બંધાવા ફરજ પાડી હતી. બોટાદના ખોડા ધાધલ સાથે તેમના લગ્ન થયા હતા. પણ ભગવાનની સેવામાં સમર્પિત થવાની તેમની દૃઢતા જોઈને સાસરિયાએ રાજીખુશીથી તેમને સંમતિ આપી હતી. લાડુબાને સૌલલિતા કહીને પણ ઓળખતા, તેઓ સેવા ભક્તિથી સૌને રાજી રાખતા. તેઓ દરબારના દીકરી હતા. ઘરકામ અંગે દાસ દાસીઓની ખોટ ન હતી પણ *લાડુબા પરિવાર ને પરમાત્માની નાનામાં નાની સેવા જાતે કરતા.* એમની ભક્તિ અને શ્રધ્ધા જોઈને શ્રીહરિ પ્રસન્ન થતા. બાઈઓને ઉપદેશ આપી કહેતાઃ ‘‘આ બન્ને બહેનો જેવા ગુણ શીખજો. કેમ જે તેમની સેવા કરવાની અપાર શ્રધ્ધા આગળ મેરુ પર્વર્ત પણ નમી પડે એમ છે!’’


બન્ને બહેનો વચ્ચે સેવા કરવાની મીઠી ખેંચતાણ હંમેશા રહેતી. તેથી શ્રીહરિએ રસોઈ, ઉત્સવોની સેવા વગેરેની વહેંચણી કરી. શુક્લ પક્ષના ઉત્સવો જીવુબા કરે અને કૃષ્ણપક્ષના ઉત્સવો લાડુબા ઉજવે.લાડુબા તપશ્ચર્યામય જીવન વ્યતીત કરતા. તેઓ દરરોજ અર્ધો શેર અનાજ જોખીને જમતા. પોતાની પાસે સારામાં સારા આભૂષણો હતા. શ્રીજી મહારાજ માટે સાચવી રાખતા.પોતાના ભાગની તમામ મિલ્કત તેમણે તાંબાના પતરા ઉપર શ્રીજી મહારાજને લખી આપી અર્પણ કરી હતી.

ત્યાગની મૂર્તિ, સેવામૂર્તિ, પવિત્રતાની મૂર્તિ એવા લાડુબાએ પોતાનો દેહત્યાગ ગઢપુરમાં જ કર્યો. નિષ્કુળાનંદ સ્વામીએ બન્ને બહેનોને ભક્તચિંતામણિમાં પ્રશંસાની અંજલિ આપી લખ્યું છે.

 ‘‘જયા લલિતા જન મોટા,સત્સંગમાં શિરોમણિ,

પ્રીત્યે વાલમ વશકર્યા, એની કહીએ મોટપ શું ઘણી!”

આવા લાડુબા અને જીવુબા સત્સંગના ઈતિહાસમાં તેમની અપાર પ્રેમલક્ષણા ભક્તિ, સમર્પણ ભાવના અને સ્વરૂપનિષ્ઠાને કારણે યુગો સુધી અમર બની રહેશે.

Post a Comment

0 Comments

Pages