Ticker

6/recent/ticker-posts

Ghanshyam Charitra | બાળ ઘનશ્યામે આંબલી રોપી તુલસીનો ભાવ બતાવ્યો


 બાળ ઘનશ્યામે આંબલી રોપી તુલસીનો ભાવ બતાવ્યો

એક સમયે સોમવતી અમાવસ્યાના દિવસે ભક્તિમાતા સુવાસીનીબાઈ તથા પોતાની બહેન ઇન્દિરાબાઇ વગેરે કેટલીક સ્ત્રીઓ એકત્ર થઇને, નારાયણ સરોવરમાં સ્નાન કરવાનો વિચાર કરીને પોતાને પહેરવાની સાડીઓ આદિક વસ્ત્રો તથા કુમકુમ, કેસર, અક્ષત અને કાચું સુતર તે સર્વે વસ્તુઓને તાસકોમાં ગોઠવીને પોતપોતાના હાથમાં લઇને સ્નાન કરવા જતાં હતાં. તે સમયે ઘનશ્યામ મહારાજ પણ પોતાના સખાઓ સાથે લઇને આવેલા હતા. પછી ભક્તિમાતા આદિક સર્વે બાઈઓ સ્નાન કરીને ધોયેલી સાડીઓ પહેરીને, પ્રથમતો નારાયણ સરોવરના ઘાટ ઉપર ઉભાં રહીને સૂર્યનારાયણ દેવની કુમકુમ વડે પૂજા કરતાં હતાં. ત્યારપછી જળમાં વરુણદેવની પૂજા કરીને પોતાના હાથમાં જળના લોટા ભરીને પીપળાના વૃક્ષ પાસે આવીને તે પીપળાના થડમાં પ્રથમ પાણીની ધારા ચારે તરફ કરીને કુમકુમ, કેસર, અક્ષત વડે પૂજા કરીને પીપળાને સુતરના ત્રાગડા વડે ચારે તરફ વીંટતાં હતાં. ત્યાર પછી સર્વે બાઈઓ પરસ્પર કુમકુમના ચાંદલા એકબીજાને કરીને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવા લાગ્યાં. તે વખતે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે ભાભી ! તમો બધાં પીપળાની કેડે કેમ ફરો છો? ત્યારે કહ્યું જે, આજે તો સોમવતી અમાવાસ્યા છે. માટે પરિક્રમા ફરીએ છીએ. તમારે ફરવું હોય તો આવો. એમ કહ્યું, ત્યારે સુવાસિનીબાઇ બોલ્યાં જે, હે ભાઇ ! આપણા ઘરે તુલસી તો સુકાઇ ગયાં છે. તે નવાં લાવીને રોપો તો અમો પણ ત્યાં ફરીએ, એમ કહેતાં સતાં સર્વે ઘરે આવ્યાં. અને પોતાના મનમાં એમ જાણ્યું જે, ઘનશ્યામભાઇ સહિત ઈચ્છારામ ભૂખ્યા થયા હશે એમ જાણીને, દહીં અને પુવા જમવા સારું આપ્યા. તે જમીને ચળુ કરતા સતા બહાર આંગણામાં આવીને આંબલીનું ડાળું કાપેલું પડ્યું હતું, તે ખાડો ખોદીને તે ડાળ રોપીને ચારે તરફ પાળી કરીને કૂવામાંથી પાણી કઢાવીને રેડવા લાગ્યા. તે સમયે સુવાસિનીબાઇ ઓરડામાંથી બહાર આવ્યાં અને તે જોઇને બોલ્યાં જે, હે ઘનશ્યામભાઇ ! તમો આ શું કરો છો? ત્યારે કહ્યું જે તમો કહેતાં હતાં તે અમો આ તુલસીને રોપીને પાણી પાઇએ છીએ. ત્યારે બોલ્યાં જે, અરે..ભાઇ ! આવું જુઠ્ઠું બોલો છો? ત્યારે કહ્યું જે, એમાં જુઠ્ઠું શાનું? જેવું છે તેવું કહીએ છીએ. તમોને ન મનાય તો બીજા કોઇને પૂછી જુઓ. એમ કહીને તેની પછવાડે પોતે હાથમાં માળા લઇને પ્રદક્ષિણા કરવા લાગ્યા. તે જોઇને પોતાના મોઢે કપડું રાખીને સુવાસિનીબાઇએ ભક્તિમાતાને કહ્યું જે, હે બાઇજી ! તમો જુવો તો ખરાં ! આ ઘનશ્યામબાબુ તો આંબલીના ડાળને રોપીને તેની પરિક્રમા ફરે છે. એમ કહે છે તેટલામાં તો સુંદરીબાઇ આવ્યાં તે તથા ભક્તિમાતા એમ બોલ્યાં જે, આ તો તુલસીની પરિક્રમા ફરે છે અને તમો તો આંબલી છે એમ કેમ કહો છો? એટલું તો ખરું જે, આ જગ્યાએ આજ સવારના પહોરમાં કઇં પણ હતું નહિ ને આ તુલસીનું ઝાડ ક્યાંથી? એમ કહેતાં સતાં વિસ્મય પામતાં હતાં.
પ્રભુ કહે નથી જુઠું લગાર, તમે જુઓ કરીને વિચાર |
તમારા મનમાં હોય વેમ, પુછી જુવો બીજાને આ કેમ ||
જેવું છે એવી કહું છું અમો, સત્ય માની લીઓ ભાભી તમો |
એવું કહી માળા લીધી હાથ, પ્રકમા ફરવા લાગ્યા નાથ ||
ત્યારે સુવાસિનીબાઇ તો વિચારમાં પડ્યાં જે, આ તુલસીનું ઝાડ તો નક્કી નથી. પરંતુ હમણાં જ મારા દેખતાં આંબલીનું ઝાડ પડ્યું હતું તે લઇને અહીં રોપ્યું છે. તેને સર્વે તુલસી છે એમ કહે છે. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે ભાભી ! તમો સાચું બોલજો આ શું છે? અમારાં માતુશ્રી તથા મામી એ બન્ને તો તુલસી છે એમ કહે છે અને તમો કહો છો જે આંબલી છે. ત્યારે હવે મારે શું કરવું? પરિક્રમા ફરું કે ન ફરું? તમો ખો તેમ કરું. એમ વાત કરે છે તેટલામાં તો વળી સુરજામામી આવ્યાં. તે આવીને કહ્યું જે, આ કૃષ્ણતુલસી તમે ક્યાંથી લાવીને રોપ્યાં? તે બહુ સારાં છે. તેવું સાંભળીને સુવાસિનીબાઇ પોતાના મનમાં ઘણુંક મુંઝાવા લાગ્યાં, તે જોઇને બોલ્યા જે, હે ભાભી ! તમો બધુંય જવા દઇને તુલસીની ભાવના કરો. હમણાં ઘડી પછી જે હશે તે તમોને જણાશે. પછી તેવી રીતે ભાવના કરી.
ભાભી કહે છે હે ઘનશ્યામ, ભાઇ આતો તમારું છે કામ |
તવ માયા બહુ બળવાન, તમે મને ભુલાવ્યું છે ભાન ||
અતિ અદ્ભુત માયા દેખાડી, ઘુંચવી નાખીને જુઠી પાડી |
પછી ગદગદ કંઠે થઈને, પ્રકમા ફરવા લાગ્યા જઇને ||
ત્યાંતો તુરત તુલસી છે એમ માલુમ પડ્યું. ત્યારે નિર્માની થઇને પગે લાગીને બોલ્યાં જે, હે ઘનશ્યામભાઇ ! આ તો બધોય તમારો જ વાંક છે. તે તમારી માયામાં મુને ઘુંચવીને જુઠી પાડી. એમ કહેતાં સતાં ગદગદ કંઠે થઇને તેમની સાથે તે પણ પરિક્રમા ફરવા લાગ્યાં. તે સમયે ધર્મદેવ રામપ્રતાપભાઇને સાથે લઇને કોઇ કારણસર અયોધ્યાપૂરી ગયેલા હતા તે ત્યાંથી આવ્યા અને તે તુલસીનું ઝાડ જોઇને આશ્ચર્ય પામતા હતા.

Post a Comment

0 Comments

Pages