Ticker

6/recent/ticker-posts

Rampur Na Kalshibhai and Jivibai


◆ રામપુરના પ્રેમી ભક્ત કમળશીભાઇ અને તેમના  ધર્મપત્નિ જીવીબાઈ ◆


ઘણીવાર કોઇ મહત્વના હેતુ વિના શ્રીહરિ અકારણ કૃપા વરસાવતાં. તેવા કૃપાપાત્રો પૈકી એક હતા... રામપુરના કમળશી શેઠ અને તેમના ધર્મપત્ની જીવીબાઈ. 

          શ્રીહરિ રામપુરના પાદરમાંથી પસાર થયા તે વખતે જીવીબાઇ વણિક છાણાં થાપવા છાણ વીણતાં હતા. શ્રીહરિએ તેમની અંતરની ભક્તિ પિછાણી,નામ-ઠામ પૂછ્યાં, નાત પૂછી, પતિનું નામ પૂછ્યું.જીવીબાઇને થયું આ કોઇ ઓળખાણ વગર અમારું કેમ પૂછતા હશે? સાથેના હરિભક્તે કહ્યું, 'આ તમને પૂછે છે તે ગઢડા દાદા ખાચરના દરબારમાં રહેતા ભગવાન સ્વામિનારાયણ છે.' સ્વામિનારાયણ નું નામ સાંભળી જીવીબાઇ આનંદવિભોર થઈ ગયા.કારણ કે આ વણિક દંપતિ સ્વામિનારાયણ ને મનોમન સંભારતા. નિ:સંતાન હતા છતાં પુત્રૈષ્ણા નહોતી. આજે એમની શુદ્ધ ભક્તિ જોઇને શ્રીહરિએ તેમને કૃપાનું પાત્ર બનાવ્યાં હતા. 

   જીવીબાઇ ઘરે જઈને કમળશીભાઇને ઝટપટ બોલાવી લાવ્યાં. શ્રીહરિએ કહ્યું, " અમારી સાથે ગઢડા ચાલો. ત્યાં ભજન - ભક્તિ સાથે જીવન નિર્વાહ પણ થશે."કમળશીભાઇ તો રાજી રાજી થઈ ગયા. રામપુરમાં તેમને આવકનું સાધન કંઇ ન હતુ. શ્રીહરિએ ગઢડા લઇ જઇને સારી દુકાન અપાવી. રહેવા ઘર અપાવ્યું ને વસાવ્યાં. 

   એકવાર સંતો - ભક્તો સહિત શ્રીહરિએ કમળશીભાઇને ત્યાં પધરામણી કરી. 

શ્રીજી મહારાજે બહાર ફળીયામાંથી જ સાદ કયો,  "કમળશીભાઈ ઘરે છે, કે નથી ?”

ભગવાન નો સાદ સાંભળતાની સાથમાં જ જીવીબાઈ તો ઘેલા ઘેલા થઈ ગયા. ને બોલ્યા, “જય સ્વામિનારાયણ ! પધારો પધારો, મારા નાથ !” જીવીબાઈએ ખૂબ જ મીઠો આવકાર આપ્યો અને જણાવ્યુ કે, “તમારા કમળશી ભક્ત ઘરમાં નથી, બહાર ગયા છે.”

શ્રીજી મહારાજે કહ્યું, “તો તમે રસોડામાં શું કરો છો ?”

જીવીબાઈ કહે, “મહારાજ ! હું બાજરાના રોટલા બનાવી રહી છું..!” 

શ્રીજી મહારાજે કહ્યું, “ફૂલ્યા વગરના, ઘાટ વગરના રોટલા જમવાની મજા ન આવે..! તો લાવો, આજે અમે તમને રોટલા કરતાં શીખવાડીએ..!” 

એમ કહીને કથરોટમાં લોટ લઈને, અંદર પાણી રેડી, મજબુત હાથે શ્રીજી મહારાજે કઠણ લોટ બાંધ્યો. 

પછી થોડો થોડો પાણીવાળો હાથ કરી, લોટના પીંડાને મસળીને જીવીબાઈને કહ્યું, “આમ સાત વખત પાણી લઈને, થોડું થોડું પાણી સાત વખત લોટના પીંડામાં છંટકાવતું જવાય; તો જ રોટલો મીઠો થાય, ને જમવા જેવો બને..!” 

પછી શ્રીજી મહારાજે લોટનો ગોળો બનાવી, પાતળો રોટલો ધીમા ધીમા તાપે શેકયો. અને રોટલો બરાબર વાળવા જેવો થયો, પછી ઊંધો વાળ્યો, અને ધીમા ધીમા તાપે રોટલો, બરાબર ચેડાવ્યો. તેથી એ રોટલો ફૂલીને દડા જેવો થયો. રોટલામાં એક પણ કાળો ડાઘ થયો નહિ. 

શ્રીહરિ કહે, “જુવો, જીવીબાઈ ! આવી રીતે રોટલા થાય..!” 

      કમળશીની ભક્તિથી રાજી થઈ શ્રીહરિએ વચન માંગવા કહ્યું. ત્યારે તેમણે કોઇપણ વસ્તુની ઇચ્છા ના કરી. આવા તેઓ નિર્વાસનિક હતા. 

      એકવાર ચોમાસામાં કમળશીભાઇના પછીતનો એક ભાગ પડી ગયો. ત્યારે અંતરયામી શ્રીહરિ બે - પાંચ સેવકો સાથે લઇને તત્કાળ ત્યાં ગયા અને મકાનને ટેકાં ભરાવી સમારકામ કરાવી દીધું. 

       કમળશી શેઠને કથાવાર્તા અને સંત સમાગમ કરવામાં અતિ આસક્તિ હતી. એમને કથાવાર્તાથી કદી થાક કે કંટાળો આવતો નહીં. મોડી રાત સુધી કથામાં બેસતાં. પોતાના નિત્ય નિયમ પ્રમાણે સવારે હાજર થઇ ગયા હોય પછી જમવા પણ ના જાય. મોટે ભાગે ભજન કરતાં કરતાં જ સભા સ્થાને નિંદ્રા આવે એટલે કંઇ પણ પાથર્યા વિના સુઇ જાય. સવારે ઘરે જઈ સ્નાન, પૂજા-પાઠથી પરવારીને શ્રીહરિના દર્શન કરવા પહોંચી જાય. 

        તેઓ ભોળાં દિલના.સરળ સ્વભાવના હોવાથી શ્રીહરિ એમના ઉપર ખુબ દયા રાખતા. અને હરવખત તેમની સંભાળ રાખતાં. 

⊍ જય સ્વામિનારાયણ ⊍

Post a Comment

0 Comments

Pages