શ્રીજી મહારાજ ની રાખડી છોડાવવાની લીલા
________________________
અમદાવાદમાં નરનારાયણદેવનું મંદિર કરતી વખતે શિખરની કોળીમાં નાખવાનો પથ્થર ધ્રાંગધ્રાથી લાવવો હતો. તે પથ્થર ૧૬૦, એકસો સાઇઠ મણનો બહુ ભારે હતો. તેને કોઇએ ગાડે ચડાવ્યો નહીં. પછી નાના અંકેવાળીના પટેલ જીવા, વિરમગામાએ ગાડા ઉપર ચડાવીને છ બળદો જોડ્યા. તે બળદો ઠાલા ચાલ્યા જાય પણ કાંધમાં ધૂંસરું અડે નહીં. તે માર્ગમાં આવતાં ગામ ગોધાવી આગળ ગાડાનો ઇસોટો ભાંગી ગયો તે જોઇને ભક્ત રાજી થયા અને બોલ્યા જે ‘આ તો મારે સંભારણું થયું.’ પછી દરવાજા પાસે લીંબડા નીચે શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા ત્યાં જઇને દર્શન કર્યાં. પછી મહારાજ તેમને મળીને બોલ્યા જે, આવો ભક્ત ! પથ્થર બહુ ભારે લાવ્યા. ત્યારે ભક્ત બોલ્યા જે, હે મહારાજ ! એ તો તમો લાવ્યા છો, મારા બળદો તો ઠાલા ચાલ્યા આવ્યા છે . પછી શ્રીજી મહારાજે કહ્યું જે, આ અમારી ‘રાખડી’ અમારા કાંડામાંથી છોડી લ્યો, અમે બહુ રાજી છીએ. પછી ભક્તે છોડી લીધી. પછી શ્રીજી મહારાજે સભાને કહ્યું જે, તમે ઊંચા બેઠા છો પણ છો બકરાં જેવા. તે બકરૂં અર્ધ શેર દૂધ કાઢે અને આ ભેંસ જેવા છે. તે ભેંસો માદળામાં બેસે પણ દૂધ બહુ કાઢે. તેમ આમની અમારે ઉતારાની અને ખાવાની કાંઇ પણ ખબર રાખવી પડે નહીં. સેવા શિર સાટે કરે. એમ પ્રશંસા કરી. (૪૮)
(શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર અધ્યાય. ૯૪)


0 Comments