ઘનશ્યામના સંકલ્પથી ફણસની ચોરી કરવા આવેલા ચોરો ફણસે ચોંટી રહે છે.
એક સમયને વિષે છપૈયાપુરમાં ફૂલબાગમાં ફણસ પાકેલાં જોઇને, તેને લેવા સારું કેટલાક ચોર આવીને જેવાં તે ફળને તોડવા જાય છે, એટલે તે ફળ તો તૂટ્યાં નહીં. પરંતુ સામા પોતાના બન્ને હાથ તે ફળ સાથે હરિ ઈચ્છાથી ચોટી રહ્યા. ત્યારે ચોરો ઘણી મહેનત કરવા લાગ્યા પરંતુ તે ફળથી હાથ જુદા થયા નહીં. એવી રીતે આખી રાત મહેનત કરી પણ કઇ પત્તો લાગ્યો નહીં. એમ કરતાં સવાર થઇ ગઇ. તે વખતે દાતણ કરવા હાથમાં લોટો લઇને ધર્મપિતા બાગમાં આવ્યા. ત્યારે તેમને જોઇને ચોર કહેવા લાગ્યા જે, હે હરિપ્રસાદ પાંડે ! અમો તો આ તમારી વાડીમાં ફળની ચોરી કરવા આવ્યા હતા, પરંતુ અમારા હાથ આ ફળ સાથે ચોટી રહ્યા છે. તે વાતની કઇ ખબર પડતી નથી. માટે દયા કરીને અમારા હાથ ફળથી જુદા કરો, તો કોઇ દિવસે ફરીથી તમારા બાગમાં આવીશું નહિ. એમ લજ્જા પામતા સતા નીચાં મુખ રાખીને બોલ્યા.
હે દાદા તમારી વાડી માંહી, ફળ ચોરવા આવ્યાતા આંહી |
પણ ચોટી ગયા છે બે હાથ, ફણસના તરુવર સાથ ||
અને જો હમણાં તમારા મોટા પુત્ર રામપ્રતાપભાઇ આવશે તો અમોને સર્વેને મારી નાખશે. એમ કહે છે તેટલામાં તો વળી બન્ને ભાઇ ત્યાં આવતા હતા, તો તે ચોરોને ફણસના વૃક્ષની ચારે તરફ ઉભા રહેલા જોને એકદમ રામપ્રતાપભાઇ પોતાની ભ્રકુટી ચઢાવીને મારવા સારું ગયા. ત્યારે તેમનો હાથ શ્રીહરિએ પકડીને ઉભા રાખ્યા. તે જોઇને સર્વે ચોર ત્રાસ પામીને રોવા જેવા થઇ ગયા. તે જોઇને ધર્મપિતાએ ભાઇને ઉભા રાખ્યા. તેથી કઈક ધીરજ આવી. ત્યારે શ્રીહરિ બોલ્યા જે, તમો કોઇ દિવસ આવો કસબ કરશો નહીં અને જો ફરીથી હાથમાં આવ્યા તો છુટવાની આશા રાખશો નહીં.
હવે કરશો નહિ આવા કામ, મરશો મોત વિના તમામ |
ફરીથી આવશો જો આ ઠામે, પહોંચાડીશું કૃતાંતને ધામે ||
આ ફળ તો અમારાં માતાપિતાને જમવા સારું અમારી ઈચ્છા થકી થયેલાં છે. એમ કહીને તેમના હાથ ફળથી જુદા કરીને એક એક ફળ દરેક ચોરને આપીને બોલ્યા જે, આ વખતે ભગવાને તમારી રક્ષા કરી, નહીં તો મોટાભાઇ તમોને જરૂર મારત. એમ કહીને રજા આપતા હતા. ત્યાર પછી ધર્મદેવ પોતાના બન્ને પુત્ર સહિત ઘેર આવ્યા અને સર્વે વાર્તા કહેતાં હતા.
રામપ્રતાપભાઇ કહે છે, “હે ઘનશ્યામ, ચોરને ફણસ શા માટે આપ્યા? ચોરી કરવા આવે તેને ફણસ અપાય નહિ, પણ સજા કરાય. પાછા ફરીથી ચોરી કરવા આવશે, તો શું કરશો? ત્યારે દયાળુ પ્રભુએ સરસ જવાબ આપ્યો, “મોટાભાઇ, ચોર લોકો અમને યાદ કરશે કે ધર્મદાદાની વાડીમાં ચોરી કરવા ગયા ને પકડાઇ ગયા છતાં સજા કરી નહિ, પણ રાજી થઇને ફણસ આપ્યા. આવી રીતે અમને યાદ કરશે તો એના જીવનું કલ્યાણ થશે. પ્રભુ સર્વજીવહિતાવહ છે.
અમને સંભાળશે આઠો જામરે, જન પામશે અક્ષરધામરે |
કરવા અનેક જીવનું કલ્યાણ રે, ઉઘાડી છે મોક્ષની ખાણ રે ||



0 Comments