Ticker

6/recent/ticker-posts

Ghanshyam Charitra | મખોડાઘાટે સુવર્ણની તોપ ગાડામાં ચડાવ્યા પછી સહુને રામરૂપે દર્શન દેતા ઘનશ્યામજી

 


મખોડાઘાટે સુવર્ણની તોપ ગાડામાં ચડાવ્યા પછી સહુને રામરૂપે દર્શન દેતા ઘનશ્યામજી
એક સમયે રામપ્રતાપભાઇ ઘનશ્યામ મહારાજને સાથે લઇને અયોધ્યાપુરી જતાં વચમાં મખોડાઘાટે આવ્યા. ત્યારે તે ગામ ઉથલપાથલ થવાથી ત્યાં મોટું એક વૈરાગીનું મંદિર થતું હતું. ત્યારે મંદિરનો પાયો ખોદતાં મોટી સુવર્ણની તોપ પ્રથમ દશરથ રાજાના વખતની નીકળી. તે વાતની અયોધ્યાના રાજા દર્શનસંગને જાણ થઇ એટલે તે તોપ લેવા માટે પોતાના નોકરોને બોલાવીને કહ્યું જે, તમારે વસ્તુ જોઈએ તે લઇ જાઓ. પરંતુ તે તોપ અહીં લાવો, નહિ તો તમારી કલમ કપાઇ જશે. તેવું સાંભળીને એક મોટું લોખંડનું ગાડું લીધું અને દશ જોડી બળદ લીધા અને પચાસ માણસોને પંદર દિવસની ખર્ચી લઇને તે સર્વે મખોડા ઘાટે આવીને તે તોપને ગાડા ઉપર ચડાવવા સારું મહેનત કરતા હતા. તેને જોઇને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે ભાઇ ! આ સર્વે ભેગા થઇને શું કરે છે? ત્યારે તે વાતનો નિશ્ચય કરવા ભાઈએ સિપાઈઓને પૂછી જોયું. ત્યારે પોતાનું વૃતાંત કહી બતાવ્યું. તે સાંભળીને ઘનશ્યામ મહારાજને દયા આવી ગઇ. અને વળી તે સિપાઈને વેશે કેટલાક બ્રાહ્મણ હતા તે સર્વે એમ બોલ્યા જે, અમારી લાજ તો ભગવાન રામચંદ્રજી રાખે તો રહે. એમ કહેતા સતા ઉદાસ થઇ ગયા. તે જોઇને શ્રીહરિ બોલ્યા જે, હે ભાઇ ! તમો કહેતા હો તો આ તોપને હું ગાડા ઉપર ચડાવી દઉં.
કહોતો ચડાવીએ તોપ અમે, છેટે રહી જુવો સહુ તમે |
શકટમાં મૂકું આણી વાર, નજરે જોતા જોતા નિરધાર ||
તેવું સાંભળીને મહા આનંદ પામતા સતા કહેવા લાગ્યા જે, હે ભાઇ ! એમ જો થાય તો અમો સર્વે મદદમાં રહીએ. ત્યારે કહ્યું જે તમો સર્વે દૂર જાઓ. એમ કહે છે તેટલામાં તો તેમાંથી બે ચાર સિપાઇ બોલી ઉઠ્યા જે, અરે ભાઈઓ ! તમારું તે હૈયું ફૂટી ગયું છે કે શું? આપણે આવા જુવાન જોધા જેવા પચાસ આદમી કેટલાક દિવસથી મથામણ કરીએ છીએ અને આ નાનું બાલ શું આ તોપને ચઢાવી શકશે? તેવું સાંભળીને શ્રીહરિ તત્કાળ પોતે સર્વે જનોને પોતાનું ચતુર્ભુજ રામચંદ્રજી રૂપે દર્શન આપતા હતા અને તત્કાળ તોપને એક હાથથી ઉપાડીને ગાડામાં મૂકી દેતા હતા.
એમકહેતાં કહેતાં તત્કાળ, દીધાં દર્શન દીન દયાળ |
રામચંદ્ર રૂપે થયા ધીર, ચતુર્ભુજ બન્યા બળવીર ||
એવા રૂપેથી તોપ ઉપાડી, એક હાથમાં લઇ દેખાડી |
મુકી શકટમાં તેહ વાર, ગૌરવતા બતાવી તે ઠાર ||
આવી રીતનું મહા અદ્ભુત ઐશ્વર્ય જોઇને તે સર્વેજન બોલ્યા જે, અહો, ભાઈઓ આતો સાક્ષાત્ આપણા ઇષ્ટદેવ શ્રીરામચંદ્રજી આપણી સહાય કરવા આવ્યા છે. એમ જાણીને સર્વે જનો વિનંતીપૂર્વક પગે લાગતા હતા. એટલામાં તો પોતે ઘનશ્યામરૂપે થઇને રામપ્રતાપભાઇને સાથે લઇને અયોધ્યાપુરી ગયા.
ઘણા પ્રયત્નથી ત્યાં આવ્યા, સર્જુગંગાપર તોપ લાવ્યા |
ઘણા જન ત્યાં વિસ્મિત થયા, પોતપોતાના સ્થાનકે ગયા ||
અને તે તોપવાળા તો મહાપ્રયત્ને તોપને સરયુગંગાના કિનારે લાવ્યા અને વહાણમાં ચડાવવા નીચે ઉતારી કે તુરત સર્વેના દેખતાં રેતીમાં ઉતરી ગઇ. તેનો ફરીથી ક્યાંય પત્તો લાગ્યો નહિ. તે જોઇને સર્વે લોકો વિસ્મય પામ્યા.

Post a Comment

0 Comments

Pages