Ticker

6/recent/ticker-posts

Ghanshyam Charitra | શરણામગંજમાં વણિક સરજુપ્રસાદને નામું ચૂકવતાં ધર્મદેવ તથા સુબોધમામાને રસ રોટલી જમતા ઘનશ્યામજી

 

શરણામગંજમાં વણિક સરજુપ્રસાદને નામું ચૂકવતાં ધર્મદેવ તથા સુબોધમામાને રસ રોટલી જમતા ઘનશ્યામજી
એક દિવસે ધર્મદેવ ગામ શરણામગંજની બજારે કોઇ કારણસર જવા તૈયાર થયા. તે વખતે ઘનશ્યામ મહારાજને મોટાભાઇએ કહ્યું જે, હે ઘનશ્યામ ! તમો દાદાની સાથે જાઓ. ત્યારે બોલ્યા જે, હે ભાઇ ! અમો તો આજે નહિ જઇએ, તમો જાવ. ત્યારે બોલ્યા જે, અમારે તો આજે ગામ તીનવા જવું છે. તેથી મારાથી જવાશે નહિ. તેવું સાંભળીને બોલ્યા જે, આજ તો નહિ પરંતુ કાલે જઇશ. એમ કહીને મોટાભાઇની બીકને લીધે તત્કાળ નારાયણ સરોવરના કિનારે નાસી ગયા એટલે ભાઇ પણ તેમને પકડવા સારું પાછળ ગયા.
*એવાં વચન કહ્યાં છે ઠીક, પણ લાગી છે બંધુની બીક |*
*ગૂઢ ગતિએ તૈયાર થયા, નારાયણસરોવરે ગયા ||*
ત્યારે મોટાભાઇને પાછળ આવતા જોઇને ત્યાંથી નાસીને આગળ ગામ ગાયઘાટ જઇને ઉભા રહ્યા. ત્યારે મોટાભાઇએ જાણ્યું જે, હું કેડે જઇશ તો બીકને લીધે પાછા વળશે નહિ. એમ જાણીને ભાઇ પાછા ઘેર આવ્યા. અને ઘનશ્યામ મહારાજતો મામાને ઘેર ગયા. તે સમયે મૂર્તામામીએ રસ રોટલીની રસોઇ તૈયાર કરીને કહ્યું જે, હે ઘનશ્યામ ! તમારા મામા સહિત જમવા ચાલો. તેવું સાંભળીને મામાની સાથે જમવા બેઠા.
*મૂર્તામામીએ કર્યો વિવેક, રૂડી રસોઇ કરી વિશેક ||*
*રસ રોટલી કરી તૈયાર, બોલ્યા પૂરણ પ્રેમે તે વાર |*
*હે હરિકૃષ્ણ જમવા આવો, તમારા મામાને તેડી લાવો ||*
ત્યાર પછી ભક્તિમાતાએ રામપ્રતાપભાઇને કહ્યું જે, ઘનશ્યામ શોધી લાવો. ત્યારે રામપ્રતાપભાઇ ચાલ્યા તે નારાયણ સરોવર ઉપર જોઇને ગામ ગાયઘાટે સુબોધ મામાને ઘેર ગયા. અને ત્યાં ભેગા થયા. એટલે બોલ્યા જે, હે ઘનશ્યામ ! તમો વારંવાર અહીં નાસી આવો છો અને મારે પછવાડે ખોળવા આવવું પડે છે. તેવું શું કરવા કરો છો? ત્યારે બોલ્યા જે, તમો વારંવાર અમોને બીક દેખાડો ત્યારે અમો નાસી આવીએ છીએ. એવું સાંભળીને બોલ્યા જે, હવે ઘેર ચાલો, આપણાં દીદી તમારા વિના અન્ન જમતાં નથી. પછી ત્યાં થકી બન્ને ભાઇ પોતાને ઘેર આવ્યા. ત્યારે ભક્તિમાતા આનંદ પામતાં સતાં પોતાના ત્રણે પુત્ર સહિત જમવા બેઠાં.
*ભક્તિમાતાએ નજરે જોયા, ખરા મનના ઉચાટ ખોયા ||*
*પામ્યાં મનમાં મુદ અપાર, પાસે બોલાવ્યા ત્રૈણે કુમાર |*
*પછે પુત્રને લેઈને સંગે, જમવા બેઠા આપ ઉમંગે ||*

Post a Comment

0 Comments

Pages