
આ લેખ લાંબો છે પણ માહિતી સભર છે , કૃપા કરીને વાચશોજી એજ નમ્ર વિનંતી છે....
અનાદીમુક્ત શ્રી દાદા ખાચર
**********************
નામ : ઉત્તમ રાજા, દાદાખાચર, (ઉન્નડખાચર પણ કહે છે)
જ્ઞાતિ : કાઠી ક્ષત્રિય
પિતાનું નામ : એભલ ખાચર
માતાનું નામ : સુરબાઈ
જન્મ : સં. ૧૮૫૭ પોષ વદ-પાંચમ, બોટાદ
અક્ષરવાસ : વિ.સં. ૧૯૦૯ પોષ સુદ-૬, ગઢપુર
અંગ : શ્રીહરિને વિષે અપાર વિશ્વાસ તથા તેમને પ્રસન્ન કરવાનું અંગ સાથે સેવાનું અંગ.
પ્રથમ પત્નીનું નામ : કુંવરબાઈ
દ્વિતીય પત્ની : જશુબા
વચનામૃતનાં પાને પાને દાદાખાચરનું નામ વણાયેલું છે. તેમની દાસત્વ અને સેવાભક્તિ અજોડ છે. શ્રીહરિએ દાદાની જે જે પરીક્ષા લીધી તેમાં તેઓ સાંગોપાંગ પાર ઉતર્યા છે. તે સાથે સંતોની, ભક્તોની પણ અપાર સેવા કરી છે. પોતે તો સેવા કરી પણ પોતાના કુટુંબે પણ સેવા કરી છે. પોતાનું ધન, ધામ, કુટુંબ, દેહ અને મન પણ શ્રીહરિની સેવામાં જોડી દીધું. જે કાર્ય સરાહનીય છે. આવી સેવા ભાગ્યે જ કોઈ કરી શકે. તેઓ સદાય શ્રીહરિના ગમતામાં વર્ત્યા છે. દાદાના આવા ઉત્તમ ગુણો જોઈને શ્રીહરિ તેમને ઉત્તમરાજા કહીને બોલાવતા. દાદાખાચરે શ્રીહરિની એકધારી ૨૫ જેટલા વર્ષ સુધી સેવા કરી છે. (૧)
શ્રીહરિ વર્ણીવેષે લોેએજ પધાર્યા. પછી દાદા ખાચરનો જન્મ થયો છે એટલે દાદાનું બાળપણ શ્રીહરિની સામે જ ઉચ્છેરાયું છે. શ્રીહરિ પ્રથમ વાર ગઢડા પધાર્યા ત્યારે દાદાખાચર ફક્ત ૪ વર્ષના જ હતા. કુડકપટ અને રાજ્ય ખટપટના એ જૂના રજવાડામાં પિતા એભલ ખાચરે દાદાનો હાથ શ્રીહરિને સોંપી તેનું સર્વ પ્રકારે રક્ષણ કરવાનું વરદાન લઈ પોતે ધામમાં ગયા. (૧)
જેમ અર્જુનને શ્રીકૃષ્ણમાં સંપૂર્ણ વિશ્વાસ હતો તેમ દાદાને શ્રીહરિમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હતાં. શ્રીહરિના એક ઈશારે તેમણે પોતાનો સઘળો ગામ ગરાસ તાંબાના પતરે શ્રીહરિને સમર્પણ કર્યો અને પોતે એક સેવક તરીકે ગઢડામાં રહી સઘળો કારભાર સંભાળી શ્રીહરિની સેવા કરતા. (૧)
શ્રીજીમહારાજ છેલ્લાં ના ૨૪મા વચનામૃતમાં સંતો ભક્તોના અંગની વાત કરતા દાદાખાચર વિષે કહે છે કે, દાદાખાચરને અમારામાં વિશ્વાસનું અંગ છે.
જેનો એક પ્રસંગ જાણીએ :
ગઢડાના દરબારગઢમાં ઉગમણા બારના ઓરડાઓનું ચણતર કામ ચાલતું હતું ત્યારે શ્રીહરિ ત્યાં જઈને ઓરડાના પાયા વિષે, દીવાલ વિષે જરૂરી સૂચના આપતા. તે પ્રમાણે કડિયા દીવાલ ચણે. સાંજે અડધી-પોણી દીવાલ ચણાઈ ગઈ હોય ત્યારે મહારાજ પધારે અને કહે, દાદા આ દીવાલ સહેજ ત્રાંસી લાગે છે. આને પાડીને ફરીવાર ચણો. ત્યારે દાદા હા પાડે અને બીજા દિવસે ફરીવાર ચણાવે ત્યારે વળી બીજા દિવસે મહારાજ આવે ને તે જ પ્રમાણે કહે કે, આ દીવાલ હજી ત્રાંસી લાગે છે. ફરીવાર બનાવો. તો દાદા સંમતિ આપે ને બીજા દિવસે દીવાલ પાડીને નવી બનાવે. હવે દીવાલ બાબતનું કામ આપણા કરતા કડિયાને વધારે ફાવતું હોય. તે કરતા હોય તે બરાબર જ કરતા હોય. તેમ છતાં મહારાજ આવીને દીવાલ ફરીવાર ચણવાનું કહે. આમ ઘણીવાર થયું. તેમ છતાં દાદાખાચરને જરાય કંટાળો ન આવ્યો કે સંશય ન થયો અને મહારાજની મરજીમાં પોતાની મરજી માની કામ નવેસરથી કરાવતા. (૧) દાદાને મહારાજમાં અપાર વિશ્વાસ હતો કે, મહારાજ જે કરતા હશે તે બરાબર જ કરતા હશે. આવો અટલ વિશ્વાસ જોઈ શ્રીહરિ કહેતા કે, દાદાને અમારામાં વિશ્વાસનું અંગ છે.
શ્રીહરિ દાદાને નાના ઘડામાં કોળું નાખવા કહે, તો પોતે તેમાં કોળું નાખવા લાગે. સામાન્ય બુદ્ધિથી પણ ખબર પડે કે નાના ઘડામાં કોળું ન જાય. છતાં દાદાને મહારાજમાં વિશ્વાસ કે, મહારાજ કહે એટલે ઘડામાં કોળું જાય જ, પણ મને નાખતા નથી આવડતું.
વચનામૃતમાં શ્રીહરિએ દાદાખાચરને યાદ કર્યા છે. તે જોઈએ :
* વચનામૃત ગઢડા પ્રથમનું ૭૪મું :
શ્રીહરિ દાદાખાચર વિષે ઉલ્લેખ કરતા કહે છે કે, જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા કોઈક આપત્કાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહિ અને ઝાઝી સંપત્ કે આપત્ આવે એની વાત શી કહેવી ? પણ આ દાદાખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે.
તો દાદાખાચરને આવો આપત્કાળ શું આવ્યો હતો તે જોઈએ :
ગઢડામાં જીવા ખાચર રહેતા હતા તે શ્રીહરિના ભક્ત અને દાદાના કાકા થતા હતા. પરંતુ મહારાજ દાદાનો પક્ષ લેતા તે તેમને ગમતું નહીં. તેથી દાદાને મદદ કરનાર પોતાના દુશ્મન છે તેમ તેઓ માનતા. આથી દાદાનો દરબાર લૂંટી મહારાજને અને દાદાને પકડવા યોજના કરી. આથી તેમણે પોતાના મળતિયા માથાભારે કાઠી ભડલીવાળા ભાણખાચર અને જેઠા ગોવાળિયા આદિ ૨૦૦ લડવૈયાને માંડવધારમાં ભેગા કરી કસુંબા પાણી કરાવીને તૈયાર કર્યા અને ઠરાવ કર્યો કે સવારે એક સાથે હલ્લો બોલાવી દાદાના દરબારને લૂંટી લેવો. પણ અંતર્યામી પ્રભુએ આ વાત જાણી અને દાદાને જણાવ્યું. દાદાએ પોતાના સાથી કાઠીઓને ભેગા કર્યા અને જીવાખાચરના કપટની વાત જણાવી. તે સમયે મહારાજ બોલ્યા કે, દાદાને થોડો આપત્કાળ આવ્યો છે. તો આપણે કેમ કરવું ? ત્યારે જે શૂરવીર અને મહારાજમાં દૃઢ શ્રદ્ધાવાળા હતા તે ધીંગાણુ કરવા તરત તૈયાર થઈ ગયા. પણ કેટલાક કાઠીઓએ એવો મત વ્યક્ત કર્યો કે, ગરાસ તો દાદાખાચર ખાશે તેમાં મહારાજ આપણા માથા કપાવવા માંગે છે. આ સાંભળી મહારાજ કહે, હવે બધા વાળું કરીને સૂઈ જાઓ સવારે વાત. એમ કહી મહારાજે બધાને સુવાડી દીધા અને પોતે અડધી રાત્રે ઊઠી કરીમ ભગત અને નાજા જોગિયાને લઈને એકલા માંડવધારના રસ્તે ચાલ્યા. ત્યારે નાજા જોગિયા કહે મહારાજ આપણે ત્રણ જણા જ છીએ અને સામે ૨૦૦ માણસો છે ત્યાં જવું તે વાઘની બોડમાં જવા જેવું છે ત્યારે મહારાજે તેને કહ્યું કે, તમને ભય લાગતો હોય તો પાછા જાઓ. એમ કહી માંડવધાર ગામના ચોરે પહોંચી ગાડું છોડાવીને તેનો હડો(ઉંટડો) ઊંચો કરી એવો જોરથી પછાડ્યો કે બ્રહ્માંડ ફાટી જાય એવો કડાકો થયો. આ ભયંકર અવાજ સાંભળી સુતેલા લડવૈયા ભય પામીને ભાગી ગયા. મહારાજ પણ તલવાર તાણીને બોલ્યા કે, આ ગામમાં કોઈ રહેશે તેનું માથું સવારે કપાઈ જશે. આથી ગામલોકો પણ ગભરાઈને ભાગી ગયા. આમ કપટવાળા માણસોને ભગાડી પોતે ગઢડા આવીને કોઈને ખબર ન પડે તેમ સૂઈ ગયા. સવારે જીવા ખાચરે આ વાત જાણી ને પોતે કપટમાં પાછા પડ્યા જેથી મનમાં સમસમી બેસી રહ્યા. (૨)
આમ, મહારાજે દાદાખાચરની આપત્કાળમાં રક્ષા કરી.
* વચનામૃત ગઢડા છેલ્લાંનું ૨૪મું :
શ્રીહરિ કહે છે કે, પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે. તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટાળવી કઠણ ન પડે. જેમ દાદાખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી, તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે...!
દાદાખાચર તથા તેમના ઘરના સર્વે કુટુંબીજનો લાડુબા, જીવુબા વગેરેએ શ્રીહરિનો પૂરો મહિમા જાણ્યો હતો કે, આ શ્રીહરિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તે આપણા જીવનું કલ્યાણ કરશે. તેથી તેઓ શ્રીહરિની ખૂબ સારસંભાળ લેતા તથા પ્રભુ જરાય કોચવાય તેવું કોઈ વર્તન કરતા નહિ. પોતાનો સ્વભાવ પણ જો મહારાજની સેવામાં અંતરાય કરે તો તેવા સ્વભાવનો તેઓ ત્યાગ કરતા.
એકવાર શ્રીહરિએ કહ્યું કે, દાદા ! તમે રહો છો તે ઓરડા ખાલી કરી આપો. અમારે ત્યાં રહેવું છે. ગૃહસ્થ રહેતા હોય ત્યાં અનેક વસ્તુઓ પડી હોય તેને બીજે ઠેકાણે લઈ જવી એ કઠણ કામ છે. બહેનોએ જે રીતે ગોઠવણી કરી હોય તેમાં તેઓને ફેરફાર કરવો પડે તે ગમે નહિ. તેમ છતાં મહારાજની ઇચ્છામાં પોતાની ઇચ્છા ભેળવી પોતાના ગમા અણગમાનો વિચાર કર્યા વિના શ્રીહરિએ કહ્યું એમ કરવાનું જ; એમ વિચારી બહેનોએ તુરત પોતાના ઓરડા ખાલી કરી શ્રીહરિને નિવાસ માટે આપી દીધા. શ્રીહરિએ આવું તો અનેક વાર કર્યું. દાદાએ પોતાનું ધન, ધામ, કુટુંબ પોતાનો ગમો-અણગમો વગેરે શ્રીહરિને અર્પણ કરી દીધેલ તેથી શ્રીહરિએ તેમના આ રીતે વખાણ કરી તેમની પ્રકૃતિને બિરદાવી છે. (૧)
દાદાખાચરે શારીરિક પીડાનું દુઃખ ભોગવેલું. તેમને ૧૧ દિવસ પેશાબ બંધ થઈ ગયેલ છતાં મહારાજ પાસે ફરિયાદ ન કરી.
દાદાની પોતાના ઉપર કેવી નિષ્ઠા છે ? તે ચકાસવા શ્રીહરિ તેમની અનેક વાર પરીક્ષા લેતા, પણ એ પરીક્ષામાં દાદા સાંગોપાંગ પાર ઉતરતા. પોતાના ગામગરાસનો કોર્ટ કેસ ભાવનગરમાં ચાલતો ત્યારે શ્રીહરિ તેને સફળતાના આશીર્વાદ આપી ભાવનગર કે રાજકોટ મોકલતા. છતાં કોર્ટમાં સફળતા ન મળતી. વારંવાર નિષ્ફળતા મળતી. તેમ છતાં દાદાખાચરને એવો જરાય અવિશ્વાસ ન આવતો કે આ શ્રીહરિ ભગવાન કહેવાય છે ને મને આશીર્વાદ આપી મોકલે છે છતાં આશીર્વાદ કેમ સફળ નથી થતા ! આ ભગવાન હશે કે નહીં હોય ? તેવો જરાય ભાવ પણ ન થતો. આવી નિષ્ઠા, આવો વિશ્વાસ ભાગ્યે જ બીજા કોઇમાં હોય. (૧)
સત્યુગમાં જે ચરિત્રો સંભવે તેવા દિવ્ય અને માનુષી ચરિત્રો, આવી કપરી કસોટી શ્રીહરિ કરતા પણ દાદા ખાચરને શ્રીહરિમાં પ્રેમ, વિશ્વાસ, નિષ્ઠા જરાય ઓછી ન થતી.
દાદાને પ્રથમ લગ્નથી સંતાન ન હતું. તેથી પરિવારજનોના કહેવાથી શ્રીહરિએ તેમને ફરી લગ્ન કરવા દબાણ કર્યું. દાદા માનતા ન હતા ભગવાન પોતે સમજાવતા પણ દાદા લગ્ન કરવા રાજી ન હતા. (૧)
ખૂબ સમજાવતા અંતે દાદાખાચર તૈયાર થયા. પણ એક શરતે રાજી થયા કે મારી જાનનો રથ તમે હાંકો તો હું લગ્ન કરું. તો શ્રીહરિ એ પ્રમાણે સંમત થયા. અર્જુનનો રથ જેમ શ્રીકૃષ્ણે વહન કર્યો તે રીતે શ્રીહરિ દાદાખાચરના સાચા અર્થમાં સારથી થયા. શ્રીહરિ પોતાના આશ્રિત ગૃહસ્થોને સંતાન થાય તેવા આશીર્વાદ આપતા. તો મને પ્રભુ શા માટે સંતાનના આશીર્વાદ નથી આપતા ? તેવો સંશય પણ દાદાના મનમાં ન થયો ને શ્રીહરિની આજ્ઞાથી ફરી જાન જોડી. નાના બાળકને જેટલો પોતાની મા ઉપર વિશ્વાસ હોય તેના કરતા પણ દાદાને શ્રીહરિમાં વધારે વિશ્વાસ હતો એમ કહીએ તો કશું ખોટું નથી. એટલે તો દાદાના સમગ્ર યોગક્ષેમની ચિંતા શ્રીહરિ કરતા. (૧)
ગઢપુરમાં શ્રીહરિ મંદિર કરાવતા હતા ત્યારે દાદાખાચરે પોતાનું સમગ્ર ધન અને અસ્તિત્વ શ્રીહરિના ચરણે ધરી દીધું. (૧)
દાદાખાચરના મહારાજ સાથેના અનેક પ્રસંગો છે, જેમાં તેમને મહારાજ પ્રત્યેની નિષ્ઠા, પ્રેમ, સર્વોપરિપણાની દ્દઢતા, સમર્પણભાવ વગેરે જોવામાં આવે છે.
અહીં તો ફક્ત થોડાક પ્રસંગો લખેલ છે.
શ્રીહરિ આ દેહનો ત્યાગ કરી અક્ષરધામ સિધાવ્યા ત્યારે દાદાને તે વિરહ સહન થઈ શક્યો નહિ અને શ્રીજીની ચિતામાં સળગવા તૈયાર થયા. ત્યારે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ તેમને પકડી રાખ્યા અને બેઠકે મોકલ્યા. તો ત્યાં શ્રીહરિએ દાદાને પ્રત્યક્ષ દર્શન આપી આશ્વાસન આપી શોક ન કરવા આજ્ઞા આપી. અને આજ્ઞાંકિત ભક્તે તે પછી ભક્તિમાં પોતાનું ચિત્ત જોડી દીધું. (૧)
થોડાક વર્ષોમાં જ દાદાખાચરે વિ.સં. ૧૯૦૯માં ગઢપુરમાં જ પોષ સુદ-૬ઠ્ઠના દિવસે પોતાનો દેહ છોડી દઈ શ્રીજીના સાંનિધ્યમાં અક્ષરધામ સિધાવ્યા. એ વખતે દાદાખાચરની ઉંમર ફક્ત ૫૨ વર્ષ હતી. મહારાજ ધામમાં ગયા બાદ પોતે વિરહમાં ૨૩ વર્ષ વિતાવ્યા.
* લોયાના ૩જા વચનામૃતમાં માહાત્મ્યે સહિત ભગવાનનો નિશ્ચય હોય તેનાં કેવાં લક્ષણો હોય ? જે ભગવાન અને સંતને અર્થે ધનનો, કુટુંબનો, રાજ્યનો ત્યાગ કરે તો એવા ભક્તોમાં મહારાજ દાદાખાચરને યાદ કરે છે. તો તેવા પ્રસંગો જોઈએ :
શ્રીહરિએ દાદાની પરીક્ષા લેવા તેમનો ગામ-ગરાસ પોતાને નામે કરી દેવા જણાવ્યું. તો દાદાએ કોઈ સંશય રાખ્યા વગર પોતાનું ધન, ધામ, ગરાસ વગેરે શ્રીહરિના નામે કરી દીધું. તે કાર્ય શ્રીહરિમાં અતૂટ વિશ્વાસ અને નિષ્ઠા દર્શાવે છે. વળી મહારાજે કહ્યું કે, તમે ગામ છોડીને જતા રહો. તો પોતે જવા તૈયાર થયા અને પૂછ્યું કે, તમે હવે શું કરશો ? તો દાદા કહે, હું કારિયાણી જઈને નોકર તરીકે કામ કરીશ. તો આમ કરવામાં દાદાને કુળની લાજ આડી ન આવી. તેમણે લોકલજ્જાનો ત્યાગ કર્યો. વળી શ્રીહરિ અને સંતને વિષે પોતાનું સમગ્ર જીવન, પોતાનું મન, પોતાનો આત્મા, પોતાનો દેહ પણ અર્પણ કરી દીધો. તે શું નાની વાત છે ? કદાચ કોઈ પોતાના ધન, ધામનો ભગવાનને અર્થે ત્યાગ કરે, પણ પોતાનું મન પ્રભુને ચરણે ધરી દેવું અને પ્રભુની મરજી તે પોતાની મરજી તે કરવું કઠણ છે. જે કામ દાદાખાચરે કર્યું. કે પોતે અને પોતાનું કુટુંબ સર્વે શ્રીહરિના ચરણે ધરી દીધું. તેથી વચનામૃતમાં પાને પાને દાદાનું નામ આવે છે અને પોતે શ્રીહરિના કૃપાપાત્ર બન્યા છે. (૧)
દાદાખાચરને બે પુત્રો હતા. બાવાખાચર અને અમરાખાચર
જય શ્રી સ્વામિનારાયણ
0 Comments