
🙏🌹🌺એકવાર શ્રીજીમહારાજે પોતાનો રૂમાલ બતાવીને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું: "સ્વામી! આ શું છે?" "મહારાજ! એ રૂમાલ છે." બે હાથ જોડીને મુક્તમુનિએ જવાબ આપ્યો. "સ્વામી! આ રૂમાલ ક્યાં છે? આ તો તલવાર છે." મહારાજે કહ્યું.
"હા પ્રભુ! એ તલવાર છે." મુક્તમુનિએ ફરી હાથ જોડીને શ્રીહરિની વાતને અનુમોદન આપતાં કહ્યું.
સભામાં પાછળ બેઠેલા સુરાખાચર ઇત્યાદિ હરિભક્તો આ સાંભળીને હસવા લાગ્યા. એટલે મહારાજ પણ મુખ આડો રૂમાલ દઈને હસતાં હસતાં કહે "સ્વામી! આ બધા તમારા ઉપર હસે છે. તમે રૂમાલને તલવાર કેમ કહો છો?" મુક્તાનંદ સ્વામી તો નિર્માનીપણાની મૂર્તિ હતા, એમણે નમ્રતાથી કહ્યું: "મહારાજ! સાધન ગમે તે હોય એની પાછળનું સંકલ્પબળ જ કામ કરે છે ને? આપ ઇચ્છો તો આપના રૂમાલના સપાટાથી પણ ભલભલાનાં મસ્તક પડી જાય. રૂમાલ તલવારનું કામ કરે તો એને તલવાર કહેવામાં શો વાંધો?"
મુક્તમુનિનો આ ઉત્તર સાંભળીને આખી સભા દંગ થઈ ગઈ ( શ્રીહરિ ચરિત્ર ચિંતામણિ- વાત ૨૧૪). આવી દૃઢ શ્રદ્ધા સહજભાવે પ્રગટે ત્યારે જ મન પ્રભુની આરતી ગાવા તત્પર બને છે.
શ્રીજીમહારાજની મૂર્તિના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડો ઊડતાં ફરે છે. એ સર્વે બ્રહ્માંડોના કોટિ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર અહોનિશ શ્રીહરિની વંદના કરતા રહે છે. શારદા, શેષ અને નારદની ઉપમા કવિ શ્રીજીમહારાજના પ્રતાપી મુક્તોને આપી એમ સમજાવવા માગે છે કે જે શ્રી સહજાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ મુનિ તથા મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ, જ્ઞાની અને પ્રેમી સંતો નિત્ય આરાધતા એવા શ્રીહરિનો યથાર્થ મહિમા નહિ સમજનાર વ્યક્તિ મિથ્યાભિમાની છે.
જય શ્રી સ્વામિનારાયણ🙏🌹🌺
0 Comments