Ticker

6/recent/ticker-posts

કાલુપુર મંદિર મા આવેલા થાંભલાનો ઈતિહાસ

કાલુપુર મંદિર બન્યા પછી સભામાં બેઠેલા એક ઝાલવાડી હરિભકતને શ્રીજી મહારાજે બોલાવ્યા અને તેને મળી પોતાની પાસે જે કીંમતી દુપટ્ટો હતો તે રાજી થઈને તેને આપ્યો, એટલે તે ભકતે શ્રીહરિની અમુલ્ય પ્રસાદી માની ભાવથી તે લીધો અને આનંદ પામ્યો. તે જોઇ ભૂજવાળા સુંદરજીભાઈએ પૂછયું કે હે મહારાજ ! આ ભકતે એવું શું કામ કર્યું છે કે જેથી આપ આટલા બધા તેના ઉપર રાજી થયા અને દુપટ્ટો આપ્યો ? ત્યારે શ્રીહરિએ સૌને સાંભળતાં કહ્યું કે જ્યારે આનંદ સ્વામી શ્રી નરનારાયણદેવનું આ મંદિર કરાવાતા હતા, ત્યારે કેટલાક હરિભકતોનાં ગાડાં પથ્થર લાવવા હિંમતનગર મોકલતા હતા, તેમાં આ હરિભકત દર વખતે પોતાનું ગાડું લઈને પથ્થર લેવા જતા. તેમાં એક વખત પથ્થર ભરીને આવતાં અંધારે રસ્તામાં આ હરિભકતનું ગાડું ખાડામાં પડી ગયું, તેથી તેનું ગાડું ભાંગી ગયું અને એક બળદનો પગ પણ ભાંગી ગયો. ત્યારે બીજા બધા ગાડાવાળા ઉદાસ થઈ ગયા પણ આ હરિભકતને મનમાં જરા પણ દુઃખ ન થયું પછી રસ્તાના ગામમાંથી બે ગાડાં ભાડે કરી લાગ્યા અને એક ગાડામાં પથ્થર ભર્યા ને બીજા ગાડામાં બળદને નાખ્યો ને બધા અમદાવાદ આવ્યા. આ હરિભકત ગરીબ સ્થિતિના છે તોપણ જરાય દીલગીર ન થયા ને સૌની સાથે મંદિરનું કામ કરવા લાગી ગયા એવા તે શ્રદ્ધાવાળા છે. વધારેમાં શ્રીહરિએ કહ્યું કે એ ગાડામાં જે પથ્થર લાવ્યા હતા, તે પથ્થરનો સુંદર થાંભલો બનાવરાવી તે થાંભલો મંદિરની ઉગમણી બાજુ રાધાકૃષ્ણદેવના મંદિર આગળ ઘુંમટમાં ચોડયો છે. ને તે થાંભલાને અમોએ ધણી વખત બાથમાં લીધો છે. આવી રીતે શ્રીજીએ તે હરિભકતનાં ઘણાં વખાણ કર્યા ને બોલ્યા કે આટલા માટે અમે રાજી થઈને તેમને દુપટ્ટો આપ્યો. એમ તે ભકતની સેવાને તે થાંભલાની યાદગીરીથી કાયમને માટે બિરદાવી.🌹🌺🙏

Post a Comment

0 Comments

Pages